કનૈયાલાલ મુનશી ના "વાવા શેઠનું સ્વાતંત્ર્ય" નાટકની સમીક્ષા
Abstract
વીસમી સદીના પશ્ચિમના વિચારોનો પૂરવેગે પ્રસાર થવા માંડયો હતો, વ્યકિતસ્વાતંત્ર્યના ખ્યાલો યુવતીઓનાં માનસ પર વર્ચસ્વ જમાવી રહ્યાા હતા. વર્ગભેદની નાબૂદીનાં બ્યૂગલો ફૂંકાવા લાગ્યાં હતાં. જ્ઞાતિબંધનો તૂટવા લાગ્યાં હતાં. યુવાન—યુવતીઓ પણ લગ્નની બાબતમાં સ્વાતંત્ર્ય માટે જાગ્રત થયાં હતા. તેમ છતાં, હજુ સમાજનો એક વિશાળ વર્ગ બંધિયાર મનોદશામાંથી બહાર નિકળ્યો ન હતો અને તેથી યુવાપેઢી માટે જીવનસાથીની પસંદગીમાં સ્વાતંત્ર્ય તરફ મા-બાપ અથવા વડીલવર્ગ દુર્લક્ષ સેવતા હતા. વળી યુવાપેઢી પણ વડીલોની ઈચ્છા અને સંમતિ પ્રમાણે લગ્ન કરતી અને હજુ પણ તેઓ વડીલોની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી શકતી ન હતી. આવા સમયે મુનશીએ આ નાટકની રચના કરી છે.
મુનશીનાં નાટકોમાં સૌપ્રથમ લખાયું 'વાવાશેઠનું સ્વાતંત્ર્ય'. નાટ્યકૃતિ તરીકે કંઈક ઊણપો હોવા છતાં વિષય દ્રષ્ટિએ 'કજોડાં લગ્ન' અને સ્વેચ્છા લગ્ન' ના પ્રશ્નને સહજ હળવી રીતે સ્પર્શે છે. 'વાવાશેઠનું સ્વાતંત્ર્ય', 'બે ખરાબ જણ', 'ડો. મધુરિકા', 'આજ્ઞાંકિત' વગેરેમાં મનશી શારીરિક-માનસિક 'કજોડાં લગ્ન'ને હળવી કલમે નિરૂપે છે. આવાં બેહુદાં કજોડાંલગ્નમાંથી ઉદ્ભવતી હાસ્ય, કટાક્ષ, કરુણસભર કૃતિ 'આજ્ઞાંકિત' છે, તો 'વાવાશેઠનું સ્વાતંત્ર્ય' માં લેખકે તેની પ્રહસન તરીકે રચના કરી છે.