લોકડાઉનની ગ્રામીણ સમાજ પર અસરો
Abstract
'કોવિડ 19'ને વિશ્વમાં હાકાર મચાવ્યો છે. આ મહામારી લગભગ 100 વર્ષ બાદ સ્પેનિશ ફ્લુ બાદ જગતમાં આવી છે. અલબત્ત માનવ ઇતિહાસમાં નજર કરીએ તો વિવિધ પ્રકારની મહામારીઓ ભૂતકાળમાં આવેલી હતી અને લાખો લોકોએ પોતાના જીવ ગુમાવેલા. ભૂતકાળમાં ઓરી, અછબડા, કોલેરા, મેલેરીયા, ટાઇફોડ, શીતળા, કોલેરા, પ્લેગ ટી.બી. જેવા જીવલેણ રોગોએ લાખો લોકોના જીવ લીધા છે. ૨૦મી સદીમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, મેડિકલ સાયન્સમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. આમછતાં 'કોવિડ 19'ની મહામારીએ વિશ્વના લાખો લોકોનો જીવ લીધો છે. આ રોગ ખૂબ જ ચેપી છે અને સંપર્ક આવનાર વ્યક્તિને તુરંત સંક્રમીત કરે છે. કોરોના વાઇરસ ઉધરસ, છિંક તથા માનવ સંપર્કને કારણે સતત ફેલાતો રહે છે. કોઇને ઉધરસ કે છિંક કે આવે અને તેનામાં ચેપ હોય તો તેના ડ્રોપલેટ્સ દ્વારા બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. આ સંક્રમણને અટકાવવા સરકારે કેટલાક કડક નિર્ણયો લેવા પડ્યા છે. જેમાં લોકડાઉન, કર્ફ્યુ, સામાજીક, ધાર્મિક તથા રાજકીય મેળાવડાઓ પર પ્રતિબંધ, સામાજીક અંતર જાળવવું વગેરે મુખ્ય છે.
અમેરીકા, ઇટાલી, સ્પેન, ફ્રાંસ, બ્રિટન, જેવા સમૃદ્ધ તથા વિકસિત દેશોએ સમયસર ઉચિત પગલાં ન લેવાના કારણે મોટાપાયે લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં પણ કોરોના મહામારીની અસર શરૂ થઈ પરંતુ ભારત સરકારે 'કોવીડ 19'ની ભયંકર અસરમાંથી બચવા લોકડાઉનનો સહારો લીધો. કારણ કે ભારત જેવા વિશાળ અને અતિ ગીચ દેશમાં જો સંક્રમણ ફેલાય તો તેને અંકુશમાં કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય. લાખો લોકો યોગ્ય સારવારના અભાવે મૃત્યુ પામે કેમકે, વિકસિત દેશોની સરખામણીમાં આપણા દેશમાં હજુ આરોગ્યલક્ષી સુવિધઓ પ્રાથમિક કક્ષાએ છે. તેથી ભારતમાં કોરોનાની અસર નાબૂદ કરવા અને સંક્રમણ ફેલાતું અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા 25 માર્ચ, 2020ના રોજ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની ઘોષણા કરી. આ લોકડાઉનના કારણે ભારત જેવો વિશાળ દેશ અચાનક થંભી ગયો. લોકડાઉનની સૌથી મોટી અસર વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને આર્થિક ક્ષેત્ર પર થઈ.
લોકડાઉનને કારણે લોકો જાત-જાતની મુશ્કેલીઓ અનુભવતા હતા અને તેમાં પણ ગ્રામીણ ક્ષેત્રના લોકો વિશિષ્ટ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. લોકડાઉનને કારણે ગ્રામીણ લોકો કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે જાણવા માટે આ શોધપત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.