બેચરદાસ દોશી - પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વ
Abstract
સત્ય અને જ્ઞાનની પ્રાપ્તિ માટે જીવનભર અનેક મુશ્કેલીઓ સહન કરનાર થોડાંક ગુજરાતી પંડિતોમાં બહેચરદાસ દોશીનું નામ ઘણું મહત્વનું છે. ગુજરાતના જ નહિ પરંતુ ભારતના અગ્રગણ્ય સાક્ષર, સમાજસેવક અને રાષ્ટ્રસેવક બહેચરદાસ દોશીનો જન્મ ૦૨-૧૧-૧૮૮૯ માં વલ્લભીપુરમાં થયો હતો. એમના પિતા જીવરાજ લાધાભાઇ દોશી અને માતા ઓતમબાઈ. જ્ઞાતિએ વીસાશ્રીમાળી જૈન કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવાથી પંડિતજીના ભણતરની શરૂઆત વળાની ધૂળી નિશાળમાં જ થઇ. ત્યાર પછી પાંચ ચોપડી તેઓ પોતાના મોસાળ સણોસરામાં ભણ્યાં. અને છઠ્ઠી ચોપડી વલ્લભીપુરમાં આવીને પૂર્ણ કરી. એ દરમિયાન એમની ૧૦ વર્ષની ઉમરે જ તેમના પિતાનું અવસં થયું. કુટુંબની આજીવિકાનો પ્રશ્ન ઘણો મુશ્કેલી ભર્યો હતો. સમાજની પ્રચલિત માન્યતા પ્રમાણે પિતાનું કારજ કરવા માટે પણ તેમની માતાને પોતાનાં ઘરેણાં વહેંચવા પડ્યાં હતાં. માતાએ અન્યના ઘરોમાં જુદાં જુદાં કામ કરી કરી ઘર ચલાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, તેમ છતાં ઘરનો નિર્વાહ થઇ શકતો નહિ. પોતાની માતાશ્રીની આમ રાત-દિવસ કામ કરતાં જોઇને તેમને મદદ કરવામાં ક્યારેય નાનપ કે શરમનો અનુભવ કર્યો નહોતો.