"કોરોના વાયરસની સમાજ પર થતી અસરોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ" (ગુજરાત રાજ્યનાં સંદર્ભમાં)
Abstract
જ્યારથી માનવસમાજની ઉત્પત્તિ થઇ ત્યારથી માંડી આધુનિક ટેકનોલોજીનાં યુગ સુધી માનવીએ અનેક પડકારો-યુદ્ધો-મહામારીઓનો સામનો કર્યો છે. કુદરત સામે સંઘર્ષ કરતા કરતા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સફળ થયા છે, તો ક્યાંક જનજીવન જોખમાયું છે. પ્લેગ, એચ૧એન૧, સાર્સ, ઇબોલા, ઝીકા, નોવેલ કોરોના વાયરસ વગેરે જેવી જીવલેણ મહામારીઓએ વિશ્વના પ્રત્યેક માનવસમાજની દશા અને દિશા ધરમૂળથી બદલી નાખી છે. વૈશ્વિક સ્થિતિ વિકરાળ બનવાનું કારણ કેટલેક અંશે માનવ જવાબદાર છે તો કેટલેક અંશે કુદરતી પરિબળો.
કુદરતી તત્વો પર જયારે માનવી વધુ પડતું આધિપત્ય જમાવી લે છે ત્યારે કુદરતી તત્વોનું સંતુલન ખોરવાતું હોય છે. કુદરત સર્વોપરી હોવાનો અહેસાસ કરાવે છે તો માનવીએ અવનવી શોધોથી તેને નાથવા પ્રયાસ કર્યો છે, આમ ને આમ ચક્ર ચાલતું રહે છે, તો માલ્ટસના સિદ્ધાંત મુજબ વસ્તી વૃદ્ધિ અટકાવવા પણ આવી મહામારી અને રોગચાળા થતા રહે છે. આથી કેટલીક વાર અજાણ્યા-અણધાર્યા રોગો, સમસ્યાઓ, મહામારીઓનો પણ જન્મ થતો જ આવ્યો છે.